અમદાવાદઃ રાજ્યમાં 100 ટકા કરતા પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે સપ્‍ટેમ્‍બરના બાકીના દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં આગામી 19થી 26 સપ્ટેમ્બર સુધી વરાસદ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હાલમાં બંગાળની ખાડીનું લો-પ્રેશર મજબુત બની ડિપ્રેશન કે સાયક્લોન બનવા અંગે આઇએમડી અને વિદેશના મોડેલોમાં થોડા મતમતાંતર છે પણ ગુજરાતામાં આગામી 10 દિવસ વરસાદ પડવાની શક્યતા છે.

બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની નબળી સીસ્ટમ સક્રીય થશે, જે આગળ વધીને 19-20 સપ્ટેમ્બરે મુંબઇ-દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે અને ફરીથી રિ-ડેવલપ થઇને મજબુત બનશે. મોન્સૂન ટ્રફ ગુજરાત તરફ નીચો આવશે, જેની અસર 26થી 27 સપ્ટેમ્બર સુધી રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'હાલમાં પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે.  હાલની સ્થિતિ પ્રમાણે ગુરુવારે નવસારી-વલસાડ-દમણમાં, શુક્રવારે ડાંગ-વલસાડ-નવસારી-દમણ, શનિવારે વલસાડ-દમણ-સુરત-ડાંગ-તાપી-ભાવનગર-અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ-નવસારી-ભાવનગર-અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેની સંભાવના છે.'

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીમાં વધારો થતાં સરેરાશ મહતમ તાપમાન ૩૩ ડિગ્રી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮:૩૦ના ૮૭%-સાંજે ૫:૩૦ના ૬૮% રહ્યું હતું. અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ૩૪ ડિગ્રીને પાર જઇ શકે છે.