અમદાવાદ: કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 6 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,  3 મેથી 8 મે સુધી રાજ્યમાં પ્રિમોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છએ.  

કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈ યલો અલર્ટ આપવામાં આવ્યું છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.  5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે

7 અને 8મેના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  4 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ સહીત રાજ્યમાં છૂટાછવાયો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે.  દક્ષિણ પૂર્વમાં સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે.  

હવામાન વિભાગ દ્વારા 3 મેથી 8મે દરમિયાન રાજ્યના જુદા જુદા વિભાગોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
 
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને માલસામાન ખુલ્લો પડ્યો હોય એને સલામત સ્થળે ખસેડી લેવા માટે અપીલ કરવામાં આવી છે. ભરઉનાળે વાતાવરણમાં આવનારા આ પલટા અને કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાનો ભય છે, જેના માટે તંત્ર અને નાગરિકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે.
 
રાજ્યના વાતાવરણમાં પલટો આવતા આજથી ભીષણ ગરમીથી થોડી  રાહત મળશે. શુક્રવારે અમદાવાદ, રાજકોટ સહિત સાત શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો પહોંચ્યો છે.  શનિવાર  43.5 ડિગ્રી મહતમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલીમાં 42.3, ભાવનગરમાં 41.6, વડોદરામાં 42.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે. 
 
હવામાન વિભાગે આગાહી કરી છે કે, શનિવારે પણ ભારે પવન અને  ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.  20 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. વરિષ્ઠ હવામાનશાસ્ત્રી આર.કે. જેનામણીએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજ અને પવનના મિશ્રણને કારણે વાવાઝોડા સાથે વરસાદની સ્થિતિ સર્જાઈ છે.