અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે કરી આગાહી મુજબ અમરેલી, ભાવનગર, તાપી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, બોટાદ, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે હળવાથી લઈ સામાન્ય વરસાદ વરસી શકે છે.
પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. હવામાન વિભાગે ચાર વાગ્યાથી લઈ સાંજના સાત વાગ્યા સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે કલાકના 87 કિલોમીટરની ઝડપી પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સક્રિય સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, ખેડા અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. સ્થાનિક વહીવટી તંત્રને સજ્જ પણ કરી દેવાયું છે.
76 તાલુકામાં વરસ્યો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ વરસતા લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં સૌથ વધુ મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં 5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં 5 ઇંચ ખાબક્યો હતો.
આ પણ વાંચો- Weather Update: દેશના 10 રાજ્યોમાં આજે ભારે પવન સાથે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. હવે આ વિસ્તારોમાં સતત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસેલા આ વરસાદને કારણે ચોમાસાની ગતિ વધુ મજબૂત બની છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
