Gujarat Weather: રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ નથી ત્યારે ગરમીના પ્રકોપ વચ્ચે આગામી 9 અને 10 જૂનના રોજ રાજ્યમાં વરસાદની સંભાવના છે. સાથે જ રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની સંભાવનાં વધુ છે. સુરત,વલસાડ,નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની સંભાવનના છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં પણ લોકલ ઓનવેકટીવ એક્ટિવિટીની સંભાવના છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના છે. દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર 1 નંબરનું સીગ્નલ અપાયું
હવામાન વિભાગે વાવાઝોડાને લઈને મહત્ત્વની જાણકારી આપી છે. જે અનુસાર દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે અને તે આજે, 06મી જૂન, 2023 ના IST 0530 કલાકે કેન્દ્રિય છે અને અક્ષાંશ 11.3°N નજીક છે અને રેખાંશ 66.0°E છે. ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 920 કિમી, મુંબઈથી 1120 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1160 કિમી દક્ષિણે અને 1520 કિમી કરાચીની દક્ષિણે તે લગભગ ઉત્તર તરફ આગળ વધશે અને પૂર્વ મધ્ય અરેબિયનમાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
સરકારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના તમામ બંદરો પર 1 નંબરનું સીગ્નલ અપાયું છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 જૂન આસપાસ લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆત દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક હોવાનું અનુમાન છે. ત્યારે 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. તો દરિયાકિનારે 50થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન છે. જો છેલ્લી ઘડીએ વાવાઝોડું ફંટાઈ જાય તો પાકિસ્તાનના કરાંચી તરફ જઈ શકે છે.