અમદાવાદ: રાજ્યમાં શિયાળાની વિદાય વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે અનેક  જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે  અમદાવાદ, અમરેલી સહિતના જિલ્લાઓમાં  કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હજુ માવઠાનું સંકટ ટળ્યું નથી. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ માવઠું ખેડૂતોની દશા બગાડી શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદનું અનુમાન છે. જ્યારે દક્ષિ-મધ્ય ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, જામનગર, મોરબી પંથકમાં પણ વાતાવરણ પલટાવાની શક્યતા છે. 

Continues below advertisement

Continues below advertisement

વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું આ કમોસમી વરસાદ ખેતી માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ શકે છે. ખેતરોમાં હાલ ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીનો પાક કાપણીની તૈયારીમાં છે. ત્યારે વરસાદ અને પવનના કારણે પાક બગડી જવાની પૂરેપૂરી શક્યતા છે. જગતના તાતની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો હતો. જિલ્લાના મોડાસા અને આસપાસના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યા છે.  વાતાવરણમાં આવેલા પલટાના કારણે શિયાળું ખેતી કરનાર ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.  જો ભારે વરસાદ થશે તો બટાકા, ઘઉં, ચણા સહિતના પાકમાં નુકસાનની શક્યતા છે.

ખેડૂતોની ચિંતામાં વધારો: કયા પાક પર જોખમ?

હાલ ખેતરોમાં રવિ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદથી નીચે મુજબના પાકોને નુકસાનની ભીતિ છે:

  • બટાકા અને ઘઉં: ભેજને કારણે બટાકાના પાકમાં સડો અને ઘઉંમાં દાણા કાળા પડવાની શક્યતા.
  • કપાસ અને તુવેર: તૈયાર પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડી શકે છે.
  • કેરી: આંબાના મોર ખરી પડવાથી બાગાયતી ખેડૂતો પાયમાલ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ જો આગામી 24 કલાકમાં વધુ વરસાદ પડશે તો કૃષિ ક્ષેત્રે મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે.