ગાંધીનગર: રાજ્યમાં ત્રણ દિવસ બાદ  વરસાદ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. જેને લઈને 11 મે બાદ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને અરબ સાગર પર એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 


11 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ વરસશે. જ્યારે, 12 મેના અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર,નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદી માહોલ રહશે. 13 મે ના પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


બે દિવસ અમદાવાદ 43 ડિગ્રી  તાપમાન રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે તેમ જણાવ્યું હતું.


અંબાલાલ પટેલની આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 10 થી 14 મે વચ્ચે ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ છે કે કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ચોમાસું સારુ રહેશે.


રાજ્યમાં ગરમીનું જોર યથાવત


રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું જોર યથાવત છે. બુધવારે 10 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે. 43.1 ડિગ્રી સાથે સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. તો હવામાન વિભાગે આગામી બે દિવસ કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો અમદાવાદમાં પણ સતત બીજા દિવસે 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાત્રીના 29 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે ડિગ્રીનો વધારો થયો છે અને આગામી પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જે શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ભુજ, છોટા ઉદેપુર, વડોદરા, ડીસા, નર્મદાનો સમાવેશ થાય છે.


હવામાન વિભાગ અનુસાર, દિલ્હી-એનસીઆર 10 મેના રોજ પણ આંશિક વાદળછાયું રહી શકે છે. ભારે પવન સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.