અમદાવાદઃ રાજ્યમાં મેઘમહેર યથાવત છે. હવામાન વિભાગ અનુસાર હજુ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્ય પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે.

વામાન વિભાગ અનુસાર આજે દક્ષિણના સુરત, નવસારી, વલસાડ, દમણ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે 19 ઓગષ્ટના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 20 ઓગષ્ટના સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છમાં તથા મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની વાત કરીએ તો તાપીના ડોલવણમાં આભ ફાટ્યું છે. અહીં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. તો છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. તો તાપીના વ્યારામાં સાડા સાત ઈંચ, સોમનાથના તાલાલામાં સાડા સાત ઈંચ વરસાદ નોધાયો છે અને તાપીના વાલોડમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. તો નવસારીના વાંસદામાં સાડા છ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ, સુરતના બારડોલીમાં પણ પોણા છ ઈંચ વરસાદ પડ્યો છે.