ગાંધીનગર: ગુજરાતમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજસ્થાન તરફથી તો ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં હવે થોડા જ દિવસમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેશે.  જો કે, આજે સુરત, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગના મતે હાલ તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.  પરંતુ ભેજના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ ધીમીધારે વરસાદ વરસશે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં વરસાદ પડવાની શક્યાતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   


સુરત શહેરમાં વરસાદ


સુરતમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. એટલો બધો વરસાદ પડ્યો ન હતો તેમ છતાં શહેરના બે વિસ્તારની સ્થિતિ જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવી થઈ ગઈ છે. સુરતના લિંબાયતમાં નીલગીરી ગ્રાઉંડ જતો રોડ એટલે કે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના નિવાસસ્થાન બહાર જ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા અહીં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. તો બીજો વિસ્તાર છે ઉધના-નવસારી રોડ પર પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં તો કેડ સમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર જાણે થંભી ગયો હતો. વહેલી સવારના લોકો તો પોતાના નોકરી ધંધાર્થે અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્કૂલે રવાના થયા હતા. જોકે હજુ તો ઘરની બહાર નીકળે તે પહેલા જ રસ્તામાં અટવાઈ પડ્યા હતા.


અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ


અમરેલી જિલ્લામાં આજે છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.  અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે.  સાવરકુંડલા અને ખાંભા શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે.  શહેરમાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 


અમદાવાદ શહેરમાં વરસાદ


હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે.  પ્રહલાદનગર ગાર્ડન, એસજી હાઈવે, શ્યામલ, શિવરંજની, જીએમડીસી ગ્રાઉન, હેલમેટ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી ગઈ છે. 


અમદાવાદ શહેરના પશ્ચિમઝોનમાં વરસાદી ઝાપટું પડ્યું છે.  આંબાવાડી, પરિમલ ગાર્ડન, પાલડી, ગુજરાત કોલેજમાં વરસાદી માહોલ જામ્યો છે.  હળવાથી મધ્યમ ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. 


અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. આંબાવાડી, પરિમલ ગાર્ડન અને પાલડી વિસ્તારમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે. શહેરમાં સામાન્ય વિસ્તારમાં જ અનેક જગ્યાએ પર પાણી ભરાઈ ગયા છે.