અમદાવાદ:  હવામાન વિભાગના અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરાઈ છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે . આજે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસશે. 


આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ વરસશે. 


હવામાન વિભાગના મતે, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ભારે વરસાદની આગાહીને લઈ NDRF પણ એક્શનમાં છે.  NDRFની 3 ટીમ 3 જિલ્લામાં તૈનાત કરાઈ છે. એક ટીમ કચ્છમાં એક રાજકોટમાં અને એક ટીમ વલસાડમાં તૈનાત કરાઈ છે. NDRFની એક ટીમમાં 30 સભ્ય હોય છે. 


માછીમારોને ચેતવણી:



  • આજે અને આવતીકાલ દરમિયાન દરિયામાં ખૂબ જોખમી સ્થિતિ રહેશે.

  • માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.


પવન:



  • પવનની ગતિ 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.


રાજસ્થાનમાં સક્રિય સિસ્ટમ:



  • રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.

  • આ સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ વરસાદ વધુ થવાની શક્યતા છે.


આગામી 3-4 દિવસમાં અહીં પહોંચશે ચોમાસું


ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, ગંગાના પશ્ચિમ બંગાળના ભાગો, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો, ઝારખંડના ભાગો, બિહારના ભાગો આગામી 3-4 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધી શકે છે. 


આ સ્થળોએ ભારે વરસાદ (Rain)ની શક્યતા


IMD અનુસાર, આગામી પાંચ દિવસમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) પડી શકે છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ (Rain)ની સંભાવના છે. આ પછી વિવિધ સ્થળોએ ભારે વરસાદ (Rain) પડી શકે છે.


દિલ્હીમાં વરસ્યો વરસાદ


હવામાન વિભાગની આગાહી વચ્ચે દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.  આકરી ગરમીથી પરેશાન દિલ્હીના લોકો માટે શુક્રવાર ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છે. શુક્રવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો, જ્યારે ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. વરસાદને કારણે  ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ વગેરેનું હવામાન પણ બદલાઈ ગયું છે. અહીં આકાશ વાદળછાયું છે.