અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે દિવસે ગરમી થઈ રહી છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ માટે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ વધારો જોવા મળશે નહીં. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી દિવસોમાં પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવનની દિશા રહેશે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આજે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચુક્યું છે. ચોમાસાની સિઝન રાજ્યમાં સરેરાશ 118.12 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.
સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો
ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છ ઝોનમાં સૌથી વધુ 148.14 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 121.51 ટકા, મધ્ય ગુજરાતમાં 117.09 ટકા સરેરાશ વરસાદ ખાબક્યો છે. આ તરફ સૌરાષ્ટ્રમાં 108.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 123.26 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.
ગુજરાતમાં 16 તાલુકા એવા છે જ્યાં 10થી 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 137 તાલુકા એવા છે જ્યાં 20થી 40 ઈંચ વરસાદ ખાબક્યો છે. 98 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદભવવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટાશે. આ ઉપરાંત 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેની અસર ગુજરાત પર થશે. હવે મેઘરાજા દિવાળીના તહેવાર પહેલા ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા
ઓક્ટોબર 16 થી 19 વચ્ચે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસી શકે છે. વરસાદની વાત કરીએ તો 16 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદ ની આગાહી છે.