Gujarat Rains: ગુજરાતમાં સક્રિય રહેલા ચોમાસા વચ્ચે હવામાન વિભાગે આગામી 13 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની શક્યતા દર્શાવતાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, 13 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની સંભાવના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. 

Continues below advertisement

જૂનના અંતિમ સપ્તાહથી રાજ્યમાં ચોમાસું સક્રિય બન્યા બાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં 14 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે હવે સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 10 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા ધીમે-ધીમે ઓછી થશે.

Continues below advertisement

આજે આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે આજે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 જુલાઈ સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી એક સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં  જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો- અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, 9થી 15 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એકાદ-બે સ્થળોથી લઈને કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસ દરમિયાન એકથી બે વખત હળવા ઝાપટાં અથવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગે ચાલુ સીઝનના વરસાદી આંકડા જાહેર કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સરેરાશ વરસાદમાં 9 ટકાની ઘટ જોવા મળી રહી છે.