અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી હજુ વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી છે.
તાપમાનમાં વધુ મોટો ફેરફાર થવાની શક્યતા નથી
હવામાન વિભાગના ડાયરેક્ટર રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તાપમાનમાં વધુ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. અમરેલી,ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું અનુમાન
ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાનું યથવત છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં હાલ પ્રિમોસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના આ ત્રણ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
4 જૂને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
જેમાં છોટાઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં વરસાદનું અનુમાન છે ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ચાર જૂને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમં ચોમાસાના આગમનને લઇને હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. સાત જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. ગુજરાતમા 15 જૂન બાદ ચોમાસાની એન્ટ્રી થશે. મુંબઇ સુધી ચોમાસુ પહોંચી ગયું છે. પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઇ. હવામાન વિભાગે પણ રાજયમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી.
ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે
ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે, હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં પર હાલ એવી કોઇ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમાન થાય.