Rain Forecast News: અત્યારે રાજ્યમાં મે મહિનો તપી રહ્યો છે, કાળઝાળ ગરમી પડી છે, હવામાન વિભાગ તરફથી રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ આપીને લોકોને ગરમી સામે સાવધાન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે આ બધાની વચ્ચે હવામાનમાં પલટો આવવાની પણ આગાહી સામે આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં આકરા તાપથી લોકોને રાહત મળી શકે છે. કેમ કે આગામી 12 અને 13 મેએ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાંપટા પડી શકે છે. જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી વિશે...


ગુજરાતમાં અત્યારે મે મહિનામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ- ગાંધીનગર સહિતના મોટા શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે, ત્યારે હવે લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ ખાબકશે.


આગામી દિવસોમાં રાજ્યમાં ફરી બે દિવસ બદલાશે મોસમનો મિજાજ બદલાશે, હવામાન વિભાગ અનુસાર, 12 અને 13 મેના રોજ ફરી કમોસમી વરસાદની શક્યતાઓ છે, આ તારીખોમાં રાજ્યમાં છોટા ઉદેપુર, નર્મદામાં ભરપુર કમોસમી વરસાદ વરસશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાંપટાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મંગળવારે મતદાનના દિવસે જ રાજ્યમાં રાજકોટના વિંછિયા, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. 


મતદાન પૂર્ણ થયા બાદ રાજકોટ, અમરેલીના વાતાવરણમાં આવ્યો પલટો, અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત


હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો છે. મતદાન પૂરું થયા બાદ રાજકોટ અને અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટના વિછીયા ભારે પવન વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.


અમરેલીમાં વરસાદ
અમરેલીમાં મતદાન પૂર્ણ થયા બાદ વરસાદની એન્ટ્રી થતાં અસહ્ય ગરમી માંથી લોકોને રાહત મળી હતી. અમરેલીના ગોખરવાળા, દેવળીયા આસપાસના ગામો હાઇવે ઉપર વરસાદ પડ્યો હતો. થોડીવાર ધોધમાર વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી. ભારે પવન વચ્ચે વરસાદ પડતાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.


અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી થોડી રાહત મળી છે. મોડાસાના ટીંટોઈ પંથકમાં પણ વરસાદ છે. મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ છે. વરસાદ પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, વિઝિબીલિટી ઘટતાં લોકો હેડ લાઇટ શરૂ કરીને વાહન ચલાવતાં જોવા મળ્યા હતા.


બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો
બનાસકાંઠામાં અંબાજી પંથકના વાતાવરણ માં એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ પડ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. મતદાનના દિવસે હવામાન વિભાગે ભારે ગરમી અને ઉકળાટની આગાહી હતી.


હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ હીટવેવ રહેશે. દરિયાઈ વિસ્તારમાં હીટ વેવની આગાહી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલી, વલસાડમાં હીટ વેવની આગાહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના કહેવા મુજબ, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ કેટલાક વિસ્તારો માટે વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી.