Rain forecast: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેશર એક્ટિવ થવાથી હજુ પણ બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. આજે ત્રણ જિલ્લામાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આઠ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.


રાજ્યમાં ચોમાસાની વર્તમાન સીઝનમાં 34 ઈંચ સાથે સીઝનનો 99 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમાં સપ્ટેમ્બરના 18 દિવસમાં જ 15 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હવે 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એક પણ તાલુકા નથી. આજે પાટણ, મોરબી, કચ્છમાં અતિભારે છે  તો બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે.


રાજ્યના ત્રણ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. કચ્છ, પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આગાહીને પગલે સ્થાનિક પ્રશાસન એલર્ટ થઇ ગયું છે. બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


ગુજરાતમાં વરસાદી આગાહીને લઇને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હમણાં ગુજરાતને વરસાદથી રાહત નહીં મળી શકે, ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓકટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભા થઇ રહ્યા છે, આ ચક્રવાતના કારણે ગુજરાતનું વાતાવરણ તોફાની બની રહેશે. આગામી 19 અને 20 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બનાસકાંઠા, દક્ષિણ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ પડશે. થરાદ, વાવ, કાંકરેજ, અમીરગઢ, તખતગઢ, ડીસા, દાંતીવાડા અને પાલનપુરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાધનપુર, સાંતલપુર અને ધાનેરામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે


સપ્ટેમ્બરમાં દેશના ઘણા રાજ્યોમાં ફરી ભારે વરસાદના કારણે તબાહી મચી છે.  મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું. સાથે જ હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ફરીથી સક્રિય થયેલા મોનસુનને લીધે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.  છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.  રાજસ્થાનમાં ભારે વરસાદથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. સાથે જ રેલવે સેવા પણ પ્રભાવિત થઇ છે. જો કે હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનમાં આજથી વરસાદનું જોર ઘટશે. જો કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના અમુક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.