ગાંધીનગર: કચ્છ, પાટણ અને મોરબીમાં મંગળવારે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ અને સુરતમાં પણ કાલે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 105 ટકા નોંધાયો છે.  20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 


રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટીંગ ચાલુ રહેશે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બનાસકાંઠા જિલ્લા તથા દક્ષિણ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ રહેશે.  મંગળવાર અને બુધવારે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.   


આજે રાજ્યના 225 તાલુકાઓમાં વરસ્યો વરસાદ



  • વિસાવદરમાં આજે સૌથી વધુ 12 ઈંચ વરસાદ ખાબક્યો

  • મેંદરડામાં આઠ અને રાધનપુરમાં છ ઈંચ વરસાદ ખાબક્યો

  • ભાભર, વંથલી તાલુકામાં આજે છ-છ ઈંચ વરસાદ ખાબક્યો

  • બહુચરાજી, મહેસાણા, દીયોદરમાં ચાર-ચાર ઈંચ વરસાદ

  • ડીસા, બગસરા, જૂનાગઢ, વડગામમાં ચાર-ચાર ઈંચ વરસાદ

  • ધ્રાંગધ્રા, હળવદ, દાંતીવાડામાં 3-3 ઈંચ વરસાદ

  • માળિયા હાટીના, થરાદ, વીસનગરમાં 3-3 ઈંચ વરસાદ

  • ભેંસાણ, અમીરગઢ, હારીજમાં અઢી-અઢી ઈંચ વરસાદ

  • તાલાલા, ઈડર, કાંકરેજમાં અઢી-અઢી ઈંચ વરસાદ

  • ધાનેરા, લખતર, પાલનપુરમાં 2-2 ઈંચ વરસાદ

  • સાંતલપુર, કાલાવડ, દાંતામાં 2-2 ઈંચ વરસાદ

  • વીજાપુર, ચાણસ્મા અને ચોટીલામાં 2-2 ઈંચ વરસાદ


અંબાલાલ પટેલે શું કરી છે આગાહી









ગુજરાતમાં વરસાદી આગાહીને લઇને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હમણાં ગુજરાતને વરસાદથી રાહત નહીં મળી શકે, ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓકટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભા થઇ રહ્યા છે, આ ચક્રવાતના કારણે ગુજરાતનું વાતાવરણ તોફાની બની રહેશે. આગામી 19 અને 20 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બનાસકાંઠા, દક્ષિણ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ પડશે. થરાદ, વાવ, કાંકરેજ, અમીરગઢ, તખતગઢ, ડીસા, દાંતીવાડા અને પાલનપુરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાધનપુર, સાંતલપુર અને ધાનેરામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આની સાથે સાથે બનાસ નદીમાં પુર આવવાની પુરી શક્યતા છે. સાબરમતી નદીમાં પાણીનો આવરો વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. એટલુ જ નહીં જામનગરમાં 18, 19 અને 20માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ 18, 19 અને 20 તારીખે ભારેથી અતિભારે વરસાદ થશે. રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા અને જખૌમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. ભુજ, નખત્રાણા અને માંડવીમાં ભારે વરસાદની શક્યતા છે.