Rain: નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ભારે વરસાદના કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતા નીચાળવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. શહેરના રિંગરોડ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ રંગૂનવાલા નગરમાં કેડ સમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઇ હતી.


પૂર્ણા નદીની સપાટી વધતા રિંગરોડ, શાંતાદેવી, ગધેવાનમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. ગણદેવી-બીલીમોરા હાઈવે પર પાણી ભરાયા હતા. હાઈવે પર કમરસુધીના પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થયો હતો.ભારે વરસાદના પગલે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નદીની સપાટી હાલ 26 ફૂટે પહોંચી છે. જેને લઇ જિલ્લા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  મહુવાની પૂર્ણા નદી તોફાની બનીને વહી રહી છે. ભારે વરસાદના કારણે મહુવાથી અનાવલ જતા હાઇવે પર પાણી ફરી વળ્યાં હતા. પરિણામે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. રસ્તો બંધ થવાથી હજારો વાહનચાલકો અટવાઇ ગયા હતા.નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. બીજી તરફ દેવધા ડેમમાં પાણીની આવક થતાં ગામમાં પાણી ઘૂસી ગયા હતા. પરિણામે બીલીમારોથી દેવધા ગામ વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો હતો.


ધોધમાર વરસાદથી તાપી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉપરવાસના વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. વ્યારાનું છીંડીયા ગામ જળબંબાકાર થયું છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે. વાલોડથી પસાર થતી વાલ્મિકી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. ઘરોમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.