ગાંધીનગર :  બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ છે.  કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર કચ્છ અને દ્વારકામાં જોવા મળી હતી. કચ્છ અને દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યા બાદ 40 કિમી ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. વાવાઝોડાની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 146 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. અમદાવાદ શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે.   


રાજ્યના  કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ વિજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડા પગલે કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 


અમદાવાદ-ગાંધીનગરમાં છવાયો વરસાદી માહોલ


હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.અમદાવાદ શહેરના આનંદનગર, પ્રહલાદનગર, ગોતા, બોપલ, એસજીહાઈવે, સેટેલાઈટ, નિકોલ ,નારોલ,વેજલપુર ,માનસી સર્કલ,બોડકદેવમા પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ  છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તો બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. સેકટર 1,2 સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગર સરખેજ હાઇવે પર વરસાદી માહોલ છવાયો છે. વરસાદના પગલે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.



ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે. આ ઉપરાંત ગાજ- વીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જે મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર ,ખેડા,આણંદ,સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી,દિવમાં વરસાદની આગાહી છે.અહીં પવન ગતિ 40 કિલો મીટર પ્રતિકલાક રહેશે. જ્યારે અરવલ્લી , દાહોદ, વડોદરા,ભરૂચ , સુરત, નર્મદા, મહીસાગર, પંચમહાલ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ , દમણ દાદારનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.