Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા, અમરાઈવાડી, વસ્ત્રાલ, ઓઢવ, વેજલપુર, બોપલ, શેલા, ઈસ્કોન, પ્રહલાદનગર, શ્યામલ, બોડકદેવ, પંચવટી સહિત તમામ વિસ્તારમાં વરસાદ છે. વહેલી સવારે આકાશમાં વીજળીના ચમકારા પણ થતા હતા. આજે નર્મદા, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે વડોદરા, દાહોદ, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
શુક્રવાર સાંજથી શહેરમાં વરસાદ
શુક્રવારે સાંજના સમયે અમદાવાદમાં અસહય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલા આકાશ સાથે ધુળ-ડમરી સાથે મોટાભાગના વિસ્તારમાં હળવો વરસાદ વરસતા લાંબા સમય બાદ શહેરમાં વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમીથી હાશકારો મેળવ્યો હતો. વાસણા બેરેજના ત્રણ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા હતા.
રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં ફરી મેઘાવી માહોલ જામ્યો છે અને આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છેકે આવતી કાલે સુરત,નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે, જ્યારે વડોદરા, દાહોદ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભાર વરસાદ પડી શકે છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે.
આગામી 4 દિવસની વરસાદી આગાહી
10 સપ્ટેમ્બરઃ અરવલ્લી, દાહોદ, મહિસાગર અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
11 સપ્ટેમ્બરઃ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસાર, વલસાડ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
12 સપ્ટેમ્બરઃ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
13 સપ્ટેમ્બરઃ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે