અમરેલી : હવામાન વિભાગે આજે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. અમરેલી જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લોકોને પણ ગરમીથી રાહત મળી છે. 


અમરેલી જિલ્લા સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગાજવીજ સાથે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થયા છે.  બાબરાના ચરખા, ચમારડી, નીલવડા, વાવડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે.   




સાવરકુંડલા, અમરેલી, લાઠી બાદ લીલીયા પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.  અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું.  લોકોને ગરમીથી રાહત મળી છે. શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.  વીજળીના કડાકા સાથે શહેરમાં વરસાદનું આગમન થયું હતું.  અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. 


આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી


રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના અનુસાર,  ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતના  નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અમદાવાદ અને વડોદરામાં પણ હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, રાજકોટ, મોરબી, બોટાદ  અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


રાજ્યના 25 તાલુકામાં મેઘમહેર 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે દ્વારકા જીલ્લામાં પડ્યો હતો. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે. આ સાથે જ ખંભાળિયામાં પ્રથમ વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો છે.


પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.


જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા.