Gujarat GIDC Plot News: લોકસભા ચૂંટણી પુરી થયા બાદ હવે કોંગ્રેસ ફરીથી એક્શન મૉડમાં આવી છે, કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્સિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, અને સાથે સાથે રાજ્યમાં GIDCમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાની પણ વાત કરી છે. તાજેતરમાં જ કોંગ્રેસ નેતા શક્તિસિંહે ભાજપ સરકાર પર રાજ્યમાં GIDCમાં પ્લોટ ફાળવણી મુદ્દે કૌભાંડ થયાનો આરોપ લગાવ્યો હતો, જેના પર હવે ભાજપે વળતો પ્રહાર કરીને આજે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ચોખવટ કરી છે. આજે ભાજપના નેતા ઋષિકેશ પટેલે GIDC પ્લોટ ફાળવણી બાબતે જણાવ્યું કે, સરકાર અરજી મંગાવીને પ્લૉટ ફાળવી કરે છે, પારદર્શિતા સાથે પ્લોટની હરાજી કરવામાં આવે છે, આ સમગ્ર પ્રૉસેસમાં એક કમિટી બનાવીને હરાજીથી પ્લૉટની ફાળવણી કરવામાં આવે છે.


ભાજપ નેતા ઋષિકેશ પટેલ આજે સવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, જેમાં રાજ્યમાં GIDC પ્લોટ ફાળવણીને લઇને ચાલી રહેલા વિવાદ પર સવાલોના જવાબો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે GIDCમાં પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. આ મામલે ભાજપ નેતા ઋષિકેશ પટેલે કહ્યું કે, કોંગ્રેસ આરોપ સાબિત કરે, ઉદ્યોગો માટેની નીતિ UPA સરકારની હતી, ભાજપ એટલે ભરોસાની સરકાર છે. કોંગ્રેસના શાસનમાં હરાજીથી પ્લોટ નહોતા ફળવાતા.


ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભાજપને પ્રજાથી દૂર કરવા કોંગ્રેસના ખોટા આરોપો છે, ચૂંટણીમાં પરાજયથી કોંગ્રેસમાં નિરાશા ફેલાયેલી છે, વિકાસમાં અડચણ ઉભી કરવાનો કોંગ્રેસનો આ પ્રયાસ છે. GIDC મામલે અરજી મંગાવીને પ્લોટની હરાજી કરવામાં આવે છે. પારદર્શિતા સાથે પ્લોટની હરાજી કરવામાં આવે છે. કમિટી બનાવી હરાજીથી પ્લોટની ફાળવણી કરાય છે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ઊંડાણમાં ગયા વગર ખોટા આરોપ કરે છે. કોઈ ભ્રષ્ટાચાર નથી થયો. એકપણ પ્લોટનું વેચાણ નથી કરાયુ. GIDC હંમેશા નીતિથી ચાલે છે.