Gujarat Weather Forecast: રાજ્યમાં હજુ ચાર સિસ્ટમ ભલે સક્રિય હોય પરંતું વરસાદનું જોર આજથી ઘટશે. આજના દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મળી કુલ આઠ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તો ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ- થરાદ અને કચ્છ જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ યથાવત રખાયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 17.56 ઈંચ વરસાદ વરસ્યો છે. જે અત્યાર સુધીની સરેરાશથી 16 ટકા વધુ છે. ઓગષ્ટના પ્રારંભ સુધીમાં રાજ્યમાં સરેરાશ 380.9 મીમી એટલે કે 15.2 ઈંચ વરસાદ વરસવો જોઈતો હતો... જેની સામે અત્યાર સુધીમાં 439.9 મીમી એટલે કે 17.56 ઈંચ વરસાદ વરસ્યો છે..

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રાજ્યભરમાં ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના કુલ 257 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મોરબીમાં 8.78 ઈંચ નોંધાયો છે. જ્યારે ધ્રાંગધ્રા અને હળવદમાં 7-7 ઈંચ વરસાદ વરસ્યો છે.

Continues below advertisement

હવામાન વિભાગના આંકડા મુજબ, 27 તાલુકામાં 3થી 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે 112 તાલુકામાં 1થી પોણા ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

વરસાદના આંકડા મુજબ વઢવાણમાં 6.18 ઈંચ, તિલકવાડામાં 6.02 ઈંચ, નાંદોદ અને ગરૂડેશ્વરમાં 4.88-4.88 ઈંચ, જ્યારે માળિયા (મીં)માં 4.80 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત નાનાપોંઢામાં 4.57 ઈંચ, વાંકાનેરમાં 4.53 ઈંચ, લખતરમાં 4.49 ઈંચ, કપરાડામાં 4.41 ઈંચ, ઉમરપાડામાં 4.37 ઈંચ, ભરૂચમાં 4.21 ઈંચ, ઝઘડિયામાં 4.17 ઈંચ અને ઓલપાડમાં 4.13 ઈંચ વરસાદ વરસ્યો છે.

અન્ય તાલુકાઓમાં મહુધામાં 3.94 ઈંચ, અંકલેશ્વરમાં 3.78 ઈંચ, મૂળી અને ચુડામાં 3.66-3.66 ઈંચ, થાનગઢમાં 3.50 ઈંચ, શિનોરમાં 3.43 ઈંચ, ચોટીલામાં 3.15 ઈંચ, નસવાડી અને કપડવંજમાં 3.11-3.11 ઈંચ, કઠલાલમાં 3.07 ઈંચ અને ચીખલીમાં 3.03 ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે પાટણ અને દિયોદરમાં 2.99 ઈંચ, કામરેજ અને સિદ્ધપુરમાં 2.99 ઈંચ, તેમજ સુરત શહેર અને રાજકોટ શહેરમાં 2.91 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળવા અને વાહનવ્યવહારને અસર થવાના અહેવાલ મળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નાગરિકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.