બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઇ છે. બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લેવા જઇ રહી છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું પરત ફરવાની શરુઆત થશે. ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લઇ તેવી શકયતા જોવાઇ રહી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી રાજ્યમાં ફરી વરસાદ આવશે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બરની આસપાસ બનશે. ત્યારબાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને આંધ્રપ્રદેશ તરફ ફંટાઇ જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે 27સપ્ટેમ્બરથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે. જો આ સિસ્ટમ મજબૂત જ રહેશે તો 27થી 2 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, હાલમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિવાય, બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ બંને સિસ્ટમની સંયુક્ત અસરથી ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદનું જોર વધશે. આ આગાહી મુજબ 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આ સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ યેલો એલર્ટ હેઠળ આવતા વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે.
સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું સારુ રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 18 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.