Gujarat Rain Update:ગુજરાતમાં થન્ડરસ્ટ્રોર્મ એક્ટવિટિના ભાગ રૂપે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. 24 કલાકમાં રાજ્યના 148 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ ગોંડલમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો.
સુરેન્દ્રનગરના દસાડામાં ત્રણ ઈંચ, રાજકોટ શહેરમાં પોણા ત્રણ ઈંચ,અમદાવાદના માંડલમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો, નડિયાદ અને થાનગઢમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો, અમદાવાદ જિલ્લાના ધોળકામાં બે ઈંચ, આણંદ જિલ્લાના પેટલાદમાં બે ઈંચ, વાંકાનેર, લખતર,વિરમગામમાં બે-બે ઈંચ,પાટણના સમી, રાજકોટના જેતપુરમાં પોણા બે ઈંચ અને ધંધુકા, ચોટીલા, બોટાદમાં સવા-સવા ઈંચ વરસાદ વરસ્યો. આ તમામ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતાં અનેક નીચાળવાળા વિસ્તાર જળમગ્ન થયા હતા. સાંજના સમયે વરસાદ વરસતા ઓફિસ અને વેપારથી ઘરે પરત ફરતા લોકો પરેશાન થયા હતા. વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. જો કે વરસાદના કારણે ગરમી અને બફારાથી થોડી રાહત મળી છે.
અન્ય રાજ્યની વાત કરીએ શનિવારે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી, જેમાં ભારે વાવાઝોડા અને ઝરમર વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં એક થી આઠ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો અને લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. જોકે, ગંગાનગર અને ચુરુમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 46.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
19થી 25 જૂન દરમિયાન ઉત્તર અને તેની આસપાસના મધ્ય બંગાળની ખાડીમાં ઉપરના હવામાં ચક્રવાતી પરિભ્રમણ/લો પ્રેશર ક્ષેત્ર બનવાની શક્યતા છે. આ ઉપરાંત, ઉત્તર ભારતમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરોમાં પૂર્વ-પશ્ચિમ ટ્રફ અને પશ્ચિમ કિનારા પર પશ્ચિમ/દક્ષિણપશ્ચિમ પવનોને કારણે, અઠવાડિયાના કેટલાક દિવસોમાં પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત, મધ્ય અને તેની આસપાસના ઉત્તરપશ્ચિમ ભારતમાં વ્યાપક વરસાદની શક્યતા છે.