અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આજે સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
આજે જૂનાગઢના મેંદરડામાં 2.17 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અહીં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે વિસાવદર- માળિયાહાટીનામાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગરના મહુવામાં 1.26 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે જૂનાગઢના કેશોદમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે ચુડા, માણાવદરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. ધોરાજી, ઘોઘા, ઉપલેટામાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.
ઉપલેટામાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સતત પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાનાં ગઘેઠડ ગાયત્રી આશ્રમ નજીક આવેલ વેણું ડેમ 2 નાં બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. વેણું ડેમ 2 માં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે. વેણું ડેમ 2 માં વરસાદ પડતાં જ વેણું ડેમ 2 ફરી 100 ટકા ભરાયો છે. ઉપલેટાનાં વેણું ડેમ 2 નાં બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને 1502 ક્યુસેક પાણીની આવક અને એટલી જ પાણીની જાવક થઈ હતી. વેણું ડેમ 2 નાં દરવાજા ખોલવામાં આવતાં ડેમના પટમાં અવરજવર ન કરવાં માટે સુચના આપવામાં આવી હતી.
આજે 6 જિલ્લામાં 'યલો એલર્ટ'
હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છના 6 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાત: બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં હળવો વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત અને ભરૂચમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.
વરસાદ છતાં 'નવરાત્રિની રમઝટ'
નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ખેલૈયાઓની મજામાં ભંગ પડ્યો હતો, પરંતુ કેટલાક સ્થળોએ વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો નહોતો થયો.
ચોમાસુ 'સોળ આની': સિઝનનો 115 ટકા વરસાદ
ચાલુ વર્ષે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે પણ વરસાદે રાજ્યમાં સારી એવી હાજરી આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 115 ટકા વરસાદ વરસ્યો છે, જે સરેરાશ 882 મીમીની સામે 1022 મીમી સુધી પહોંચ્યો છે.