Gujarat Politics: ગુજરાતના રાજકારણને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જ ગુજરાત બીજેપીને નવા પ્રમુખ મળશે. ગુજરાત પ્રદેશ ભાજપને આગામી ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજ કે આવતીકાલે પ્રમુખ પદ માટેનું નોટિફિકેશન જાહેર થવાની શક્યતા છે અને ત્યારપછી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થશે.
ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ નવા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે. નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપે OBC સમાજમાંથી નેતા પસંદ કરવાનું નક્કી કર્યું છે. સૂત્રો મુજબ, આ પદ માટે રાજ્ય સરકારના કોઈ મંત્રી કે ધારાસભ્યને જવાબદારી સોંપવામાં આવી શકે છે. જગદીશ વિશ્વકર્માનું નામ આ રેસમાં સૌથી આગળ છે, જ્યારે સાંસદને પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો તો મયંક નાયક અને દેવુસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં છે. મહત્વની વાત એ છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ચાલીને પદ છોડવા માટે રજૂઆત કરી હતી.
કોણ છે જગદીશ વિશ્વકર્મા?
જગદીશ વિશ્વકર્મા (પંચાલ) બીજેપીના કદાવર નેતા છે. હાલમાં જેઓ વર્તમાનમાં રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (Minister of State) તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર (Co-operation), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSME), કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ (Cottage, Khadi and Rural Industries), અને નાગરિક ઉડ્ડયન (Civil Aviation) જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, તેઓ નિકોલ વિધાનસભા મતવિસ્તાર (અમદાવાદ) માંથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય (MLA) છે અને તેમણે ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સંગઠનમાં યોગદાન આપેલું છે.
નોધનિય છે કે, નિકોલ બેઠકના બીજેપીના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ ગત ચૂંટણીમાં તેમના સોગંદનામામાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે. જો આપણે તેમના વ્યવસાય અંગે વાત કરીએ તો,તેઓ ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે જોડાયેલા છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાત કોંગ્રેસે તેમના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી કરી છે. જે ઓબીસી સમાજમાંથી આવે છે. તેમની સામે બીજીપી પણ ઓબીસી નેતાને પ્રમુખ બનાવી શકે છે. જેમાં સૌથી પહેલુ નામ જગદીશ વિશ્વકર્માનું આવે છે. તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે.