અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં હાલ ડબલ સિઝન જોવા મળી રહી છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો વધી રહ્યો છે જ્યારે રાતે ઠંડી પડે છે. ડબલ સિઝનના કારણે ઘણાં લોકોની ગળામાં વાઈરલ ઈન્ફેક્શનની અસર જોવા મળી રહી છે. એવામાં હવે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો વરસાદ પડશે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જશે.
હવામાન ખાતાના અધિકારી મુજબ ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં લો પ્રેસરના કારણે વાવાઝોડાનું નિર્માણ થઈ શકે છે. જેના કારણે મંગળવારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિના રાજ્યના અન્ય ભાગો ડ્રાય રહેશે.
સોમવારે ગુજરાતમાં બેવડી ઋતુની સ્થિતિ જોવા મળી હતી. દિવસભરનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતું. જ્યારે લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી રહ્યું હતું, જે સામાન્યથી 3.1 ડિગ્રી ઓછું હતું.
હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુઘી પહોંચવાનો અંદાજ છે. સોમવારે ગાંધીનગર 11 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
સોમવારે અંબાજી યાત્રાધામમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અંબાજીના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો અને માર્ગો પાણીથી ભીના થયા હતા. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંબાજી પંથકમા કાળા ડિંબાગ વાદળો છવાઈ ગયા હતાં.