અમદાવાદઃ હવામાન વિભાગે આજે આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, ભાવનગર, નર્મદામાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરી છે


તે સિવાય રાજકોટ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ગીર, સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેરા, મહિસાગર, આણંદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ , દમણ, દાદર અને નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.


હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના મતે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે. જો કે, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.
આજે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


ઉપરવાસમાં તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીના જળસ્તરમાં વધારો થયો હતો. નદીમાં જળસ્તર વધતા બારડોલી રામજી મંદિરથી હાઇવે પર જતાં માર્ગ પર પાણી ફરી વળ્યાં હતા. મીંઢોળા નદી પર આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.


હાલ બંગાળની ખાડીમાં એક ડીપ ડીપ્રેશન સર્જાયું છે. હાલ ગુજરાત તરફ આ સિસ્ટમના કારણે ભારે પવન આવી રહ્યાં છે. અહીં આ સિસ્ટમ પહેલા વેલમાર્ક બની બાદ  ડિપ્રેશન અને હવે તે  ડીપ ડિપ્રશનમાં ફેરવાઇ ગઇ છે. જે 24 કલાકમાં બાંગ્લાદેશ તરફ આગળ વધવાની સંભાવના છે. જેની અસર બાંગ્લાદેશ મ્યાનમારમાં જોવા મળશે. આ સિસ્ટમના કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પવન સાથે વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ મધ્ય ભારતને પણ અસર કરશે. જેના કારણે મઘ્ય ભારતમાં વરસાદ થશે. જો કે આ સિસ્ટમની અસરથી ગુજરાતને કોઇ અસર થશે નહીં. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં થોડા પવન સાથે છૂટછવાયા વરસાદનું અનુમાન છે. 


3-4 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં વરસાદની ગતિવિધિઓ વધશે. આ દરમિયાન, કોટા, જયપુર, ભરતપુર ડિવિઝનમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.