Gujarat Rain: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વધુ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે, આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે, વરસાદના કારણે વલસાડમાં ઠેકઠેકાણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજ્યમાં અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે
લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદે જોર પકડ્યો છે, વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. શહેર નજીકથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ ભારે વરસાદને કારણે અસર થઈ છે. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયું હતું. આથી વાહનચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. છીપવાડ હનુમાનજી મંદિર, MG રોડ પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે છીપવાડ ગરનાળામાં પાણી ભરાયા છે. બીજી બાજુ, વાપી, કપરાડા ધરમપુરમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વહેલી સવારથી બોર, ચાઠા, કાંટુ, ગજાપુરા, ખડપા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વરસાદ ખેંચાતા હવે રાજ્યના કેટલાક વિસ્તારોના ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે હવે નવા વરસાદી રાઉન્ડની આગાહી થઈ રહી છે. રાજ્યમાં 15 ઓગસ્ટથી ફરી એક વરસાદી રાઉન્ડ શરુ થઈ શકે છે.
બંગાળની ખાડીની સિસ્ટમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે તારીખ 14-15 ઓગસ્ટ દરમિયાન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. આ વરસાદ ગુજરાતભરમાં સાર્વત્રિક રીતે થશે. અત્યાર સુધી અરબસાગર નિષ્ક્રિય હતો અને વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવતી હતી, હવે અરબસાગર પણ સક્રિય થયો છે. પરંતુ 15થી 21 ઓગસ્ટ દરમિયાન જે સિસ્ટમ આવશે તે બંગાળની ખાડીમાંથી જ આવવાની છે જે સાયક્લોનિક સરક્યુલેશનમા હશે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને કવર કરી શકે છે.