Surat News: આજકાલ છેતરપિંડીના કિસ્સા ખુબ વધી રહ્યા છે. ઠગબાજો યુક્તિથી અનેક લોકોની પરસેવાની કમાણી છીંનવી રહ્યા છે. સુરતમાં આવી એક ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સિલ્ક વિઝા કન્સલ્ટ તરીકે ઓફિસ ધરાવતા સંચાલકે મોટા વરાછાના રત્નકલાકારના અમેરિકામાં ભણતા દિકરાની કોલેજ ફી ભરી આપવાના બહાને 8.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ સંચાલકે અમેરિકાની કોલેજમાં ફી નહીં ભરી છેતરપિંડી કરતાં તેની સામે રત્નકલાકારે વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછાની કેદાર હિલ્સમાં રહેતા અરવિંદભાઈ પોપટભાઈ વઘાસિયા વરાછા મીની બજાર માનગઢ ચોક પાસે આવેલા હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરે છે. તેમનો દીકરો કૃણાલ હાલ અમેરિકાના બોસ્ટન શહેરમાં નોર્થ ઈસ્ટન યુનિવર્સિટીમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરે છે. વર્ષ 2024માં કૃણાલ ઘોડદોડ રોડ ખાતે “યુનિવર્સ” ક્લાસીસમાં વિદેશ જવા માટેની પરીક્ષાની તૈયારી કરતો હતો. ત્યારે સાથે ભણતા કમલેશભાઈ ભોજભાઈ કામળિયા સાથે મિત્રતા થઇ હતી.
બાદમાં કૃણાલને અમેરિકાના બોસ્ટન સિટીની નોર્થ ઇસ્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હતો. જેથી કૃણાલ અમેરિકા ગયો હતો. ત્યાં ડોલરમાં ફી ભરવાની હોવાથી તેણે મિત્ર કમલેશને પુછતા તેણે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે “સીલ્ક વિઝા કન્સલ્ટ”( શિયાલીક શિલ્પ-2 )ખાતે વિઝા કન્સલ્ટન્સી ચલાવતા જયપાલ કામળિયા ફી ભરી આપશે એમ કહ્યું હતું.
આ અંગે કૃણાલે ફોન કરીને પિતા અરવિંદભાઇને જાણ કરતા તેમણે જયપાલનો સંપર્ક કર્યો હતો. જયપાલે ફી ભરી આપવાનો વિશ્વાસ આપીને પી.એમ.આંગડિયામાં પૈસા મોકલી આપવા માટે કહ્યું હતું. અરવિંદભાઈએ 28 ડિસેમ્બર 2024ના રોજ સુરતના વરાછા, મિનીબજાર ખાતે “પી.એમ. આંગડિયા” ઓફિસ મારફતે રૂ. 8.50 લાખ અમદાવાદ મોકલાવ્યા હતા. જે બાદ જયપાલએ ફી ભરી દીધી હોવાનું જણાવ્યું હતું.
પોર્ટલ પર ચેક કરતાં ફી ભરી ન હોવાની જાણ થઈજો કે, અરવિંદભાઇના પગ નિચેથી ત્યારે જમીન સરકી ગઈ જ્યારે કોલેજના પોર્ટલ પર ચેક કરતાં તેમના પુત્રએ કહ્યું કે, ફી પ્રોસેસિંગમાં હોવાનું બતાવે છે. આ અંગે જયપાલને પુછતા તેણે ટેકનિકલ કારણોસર રિજેક્ટ થઈ હોવાનું કહીને ફરી ફી ભરી આપવાનું કહ્યું હતું. જોકે, બાદમાં પણ ફી ભરી ન હતી. જેથી અરવિંદબાઇએ પોતાના પૈસા પરત માંગતા જયપાલે વાયદા કર્યા હતા. પણ નાણા પરત આપ્યા ન હતા. આખરે અરવિંદભાઇએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.