અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે. ચોમાસાની વિદાય સમયે હવામાન વિભાગે બે દિવસ હળવાથી લઈ સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. આગામી બે દિવસ વરસાદની આગાહી મુજબ (9 ઓક્ટોબર) ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

Continues below advertisement

કાલે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

બીજી તરફ આવતીકાલે (શુક્રવારે) એટલે કે, 10 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

Continues below advertisement

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હવામાન ફરી એકવાર બદલાયું છે, જેના પરિણામે ગઈકાલે ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વ પાકિસ્તાનથી સક્રિય પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ભેજ વધી રહ્યો છે. પરિણામે, રાજસ્થાનમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

આગામી 3-4 દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય ભાગોમાંથી સત્તાવાર રીતે વિદાય લે તેવી સંભાવના છે, જોકે ત્યાં સુધી વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. દરમિયાન, અમદાવાદમાં પણ આજે હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય

આગામી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય થશે છે. ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

રાજ્યમાં સરેરાશ વરસાદ 

રાજ્યમાં સિઝનનો કુલ 117.88 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 148.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.48 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 116.92 ટકા, સૌરાષ્ટ્રમાં 108.40 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122.92 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં  અમુક સ્થળે છૂટાછવાયા વરસાદની આગાહી છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, આગામી ત્રણ દિવસ ક્યાંય પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.