Weather Report: આ વર્ષે વરસાદને કારણે નવરાત્રી પર ઘણા વિસ્તારોમાં ખેલૈયાઓની મજા બગડી હતી. તો હવે દિવાળી પર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે દિવાળીના તહેવારની મજા વરસાદ બગાડી શકે છે.
તેમની આગાહી મુજબ, 17 તારીખથી 28 તારીખની વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જેનું કારણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં આવતો બદલાવ છે. આ ઉપરાંત, તેમણે નવેમ્બર મહિનામાં એક મોટું સાયક્લોન સર્જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે, જેના કારણે મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અંતમાં, તેમણે જણાવ્યું છે કે 20 ડિસેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે અને આ ઠંડી 20 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે, નવરાત્રિ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો જેના કારણે અમદાવાદ સહિત અનેક ગરબા પંડાલમાં ગરબાનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું હતું જેને લઈ ખેલૈયાઓ નિરાશ થયા હતા.
આ ઉપરાંત જો આપણે હવામાન વિભાગની વાત કરીએ તો તે તેમણે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર (9 ઑક્ટોબર) ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ આવતીકાલે એટલે કે, 10 ઑક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્તા છે.
તો બીજી તરફ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હવામાન ફરી એકવાર બદલાયું છે, જેના પરિણામે ગઈકાલે ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વ પાકિસ્તાનથી સક્રિય પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ભેજ વધી રહ્યો છે. પરિણામે, રાજસ્થાનમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.