Weather Forecast: ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Continues below advertisement
Continues below advertisement

આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને તેજ પવનને કારણે લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે.ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો, ખેડૂતો તેમજ વાહનચાલકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. વીજળીના ચમકારા દરમિયાન વૃક્ષ નીચે આશરો ન લેવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચન કરવામાં આવ્યું છે. કારણ કે, આ વરસાદમાં ગાજવીજ સાથે અને વીજળીના કડાકા સાથે પડે તેવી શક્યતા છે તો વીજળી પડે તેવો પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.  હવામાન વિભાગની આ આગાહી રાત્રે 1 વાગ્યા સુધી માન્ય રહેશે. આગામી કલાકોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે અને વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાનમાં આવેલા પલટાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.રાજ્યના 18 તાલુકાઓમાં અડધાથી લઈને સવા ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લીના મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.પંચમહાલના શહેરા અને અરવલ્લીના ભિલોડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સાબરકાંઠાના વડાલી અને મહિસાગરના કડાણા તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

મોરવા હડફ અને ધનસુરા તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તેમજ દાહોદ તાલુકામાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત સાઠંબા, માલપુર અને વિજયનગરમાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ, બોડેલી, ઈડર, મેઘરજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં પણ અડધો ઈંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.