Gujarat weather nowcast today: હવામાન વિભાગે ગુજરાત માટે તાત્કાલિક ધોરણે નાઉકાસ્ટ (Nowcast) એલર્ટ જારી કર્યું છે. જે મુજબ, આજે રાત્રે 10 વાગ્યાથી લઈને મધ્યરાત્રિના 1 વાગ્યા સુધીના આગામી 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓના હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળશે. આ સમયગાળામાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે, તો ક્યાંક મધ્યમ અને હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે, જેથી ઘરની બહાર નીકળતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ક્યાં પડશે ભારે વરસાદ અને કેવો રહેશે પવન?
ક્યાં કેવું વાતાવરણ રહેશે તે વિશે વિગતવાર વાત કરીએ તો, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ વિસ્તારોમાં તોફાની પવન લોકોની મુશ્કેલી વધારી શકે છે, કારણ કે અહીં પવનની ગતિ 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ
બીજી તરફ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજા ગાજવીજ સાથે માહોલ જમાવી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, વડોદરા અને છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ જિલ્લાઓમાં પણ પવનનું જોર સારું એવું રહેશે અને 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.
અમદાવાદ અને પાટણ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ
આ ઉપરાંત, પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને પણ ગરમીથી થોડી રાહત મળી શકે છે. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અહીં પવનની ગતિ સામાન્ય એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે.
આ પણ વાંચોઃ ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
આગામી 6 દિવસ માટે ખેડૂતોને ચેતવણી અને દેશના અન્ય રાજ્યોની સ્થિતિ
હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે અને આગામી 6 દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વાતાવરણ તોફાની રહેશે તેવી ચેતવણી આપી છે. આથી, ખેડૂતોને તેમના ઊભા પાક અને ઘાસચારાને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ, દેશના અન્ય રાજ્યોમાં હવામાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાને કારણે 31 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બિહારમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 17 લોકોનાં મોત થયા છે. આમ, યુપી અને બિહારમાં કુદરતી પ્રકોપને કારણે કુલ 48 લોકોનો ભોગ લેવાયો છે.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
