Rain in Gujarat : હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દાણાવાડ ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો. મુળી, કુકડા, દિગસર, દાણાવાડા સહીતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદ સાથે ભારે પવન ફુંકાતા અમુક મકાનોના પતરા પણ ઉડી ગયાં. તો મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા. 


રાજકોટના લોધીકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ 
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  લોધીકાના નગરપીપળીયા ગામે જોરદાર વરસાદ પડતા ખેડૂતોના ખેતરોના પાણી ભરાયા. લોધિકા તાલુકાના અમુક ગામડાઓમાં વાવણીલાયક વરસાદ પડ્યો.વહેલી વાવણી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભીમ અગિયારસ આસપાસ વાવણી થાય તે ખેડૂતો માટે લાભદાયક કહેવાય.


લોધિકા તાલુકાના પાંભર ઇટાળા ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે ગામના કેટલાક ખેતરો બહાર પાણી નીકળ્યા. સિઝનનો પ્રથમ વરસાદ જ સારો વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા. વાવણી માટે વધુ સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. 


રાજકોટના ત્રણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં  વરસાદી માહોલ સર્જાયો હતો. તો જેતપુરમાં રબારીકા રોડ પર વરસાદી ઝાપટું પડ્યું હતું. જેતલસર, મોટી સાંકળી, નાની સાંકડી, પાંચપીપળા, સરધારપુર સહિતના જેતપુરના ગામોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું મેટોડા ગામ, ચીભડાં, ખીરસરા, વાજડી વડ, રાતૈયા સહીતના ગામોમાં વરસાદના અમી છાંટણા થયા. તો જસદણ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. જસદણમાં શિવરાજપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.