સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના લીંબડી, ધાંગધ્રા અને વઢવાણમાં વરસાદી માહોલ છે.  ધાંગધ્રામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાના  લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.  લીંબડી શહેર અને ગ્રામ્ય પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.  આસપાસના ગામડાઓ બોરણા, બોડિયા,ચોરણીયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો સહિત લોકો ખુશ ખુશાલ થયા છે. 




સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં પણ આ સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો છે.  અતિશય ગરમી બાદ વઢવાણમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.  સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓ અને  ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. 


રાજકોટ શહેરમાં વરસાદ


રાજકોટ શહેરના કાલાવડ રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, હોસ્પિટલ ચોક, રેસકોર્સ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.  રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. 


રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  


સુરત શહેરમાં વરસાદ


સુરત શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું છે.  શહેરના વેસુ, પીપલોદ, ડુમસ રોડ, પાલ, અડાજણ, અઠવા, ઉધના, લિંબાયત, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.  ભારે ઉકળાટથી લોકોને રાહત મળી છે. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. 


રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી


નૈઋત્યનું ચોમાસું  વલસાડ, નવસારી સુધી પહોંચ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય છે. 15 થી 19 જૂન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  15 જૂને દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.


રાજ્યના અનેક જિલ્લાઓમાં  આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  ગાંધીનગર અને અમદાવાદમાં  41 ડિગ્રી તાપમાન રહેશે. હજુ સુધી ચોમાસુ વલસાડ નવસારી સુધી પોહચ્યું છે. 


આજે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ  વરસાદની આગાહી કરવામાં આવી છે.  


15 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.  


16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં  વરસાદની આગાહી કરાઈ છે.  


17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.  


18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.   


19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.