હવામાન વિભાગે આ આગાહી કરી છે કે રાજ્યમાં હજુ 5 દિવસ રહેશે વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય પ્રદેશ ઉપર પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગોતા, સોલા, ગોરદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સીઝનનો 58 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
સુરતમાં વરસાદ
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતથી વરસાદ શરુ થયો છે. જિલ્લાના કામરેજ તાલુકામાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. તો સતત વરસાદના કારણે હવે ખેડૂતોના પાકને પણ નુકસાનની આશંકા છે.
નવસારીમાં વરસાદ
નવસારી જિલ્લાના કેટલા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રે શહેરના મંકોળીયા, સ્ટેશન રોડ, ફુવારા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભાવનગરમાં વરસાદ
ભાવનગર શહેરમાં થઇ સાર્વત્રિક મેઘમહેર થઇ હતી. સાંજનાં સમયે વરસાદનું આગમન થતા શહેરનાં કુંભારવાડા, વાઘાવાડી રોડ ક્રેસન્ટ સર્કલ, જશોનાથ સર્કલ ભરતનગર, કળિયાબીડ, ચિત્રા, ફુલસર, સીદસર, અવણીયા, નારી, સહિતનાં વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો તો શહેર ના કુમુદવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જો કે વરસાદનાં પગલે શહેરનાં વતાવરણમાં ઠંકક પ્રસરતા શહેરીજનોએ રાહતની લાગણી અનુભવી હતી.