ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી  માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. 'અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસશે. તેમાં પણ આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટમાં ધોધમાર વરસાદ વરસશે. તો આ તરફ ખેડાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે.


અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં વરસાદ વરસશે. સાથે જ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ તરફ જૂનાગઢ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. વીજળીના કડાકા સાથે 2થી અઢી ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. તો આ તરફ કેશોદ તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે. કેશોદના અનેક ગામોમાં વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બપોર બાદ કાલાવડમાં પવન સાથે વરસાદ શરૂ થયો.એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં 3 કલાકમાં એકથી 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ગોંડલમાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થઈ હતી. શહેરમાં પ્રથમ વરસાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાવવાનું શરૂ થયું હતું. લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરીના પાલિકાએ દાવા કર્યા હતાં. જોકે પ્રથમ વરસાદમાં જ પાલિકાના આ દાવાની પોલ ખૂલી ગઈ હતી.


અમરેલીના સાવરકુંડલામાં સતત સાતમા દિવસે વરસાદ પડ્યો હતો. બપોર બાદ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજપડી, મેવાસા, સેંજળ સહીતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. વીજપડી ગામમાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા. તો ધારી પંથકના ડાભાળી જીરામાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. સ્થાનિક નદીમાં પાણી આવતા બે પશુઓ પણ તણાયા હતા.