આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં તો મેઘરાજા મન મૂકીને વરસશે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગ અનુસાર બુધવાર અને ગુરૂવારના મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતા છે. પણ 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસી શકે છે ભારે વરસાદ.

Continues below advertisement

ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 76.44 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસ્યો છે વરસાદ. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 88.35 ટકા વરસી ચૂક્યો છે વરસાદ.

સતત મેઘમહેર થતાં રાજ્યમાં વરસાદની ઘટમાં થઈ રહ્યો છે ઘટાડો. હાલ ફક્ત 17 ટકા જ વરસાદની ઘટ છે. રાજ્યના 53 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. જેમાના 49 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. હાલ રાજ્યના 79 ડેમ હાઈ એલર્ટ પર છે તો 12 ડેમ એલર્ટ પર છે.

Continues below advertisement

નવસારી જિલ્લામાં વરસાદ

નવસારી શહેરમાં મંગળવાર રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ નોંધાયો છે. શહેરમાં આવેલા મંકોળીયા, સ્ટેશન રોડ, ફુવારા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને વાહન ચાલકો પણ પરેશાન થયા છે.

અમરેલી જિલ્લામાં વરસાદ

અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલના કારણે નદી, ચેકડેમમાં પાણીની આવક થઈ રહી છે. લાઠીની ગાગડીયા નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગાગડીયા નદીના પાણી પુલ પર ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લાઠી અને ઉપરવાસમાં બાબરા પંથકમાં પડેલા સારા વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઈ છે.