ગુજરાતમાં હજુ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં વરસશે ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના પણ અમૂક જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ પડશે.


હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે.


હવામાન વિભાગના મતે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો રવિવારે નવસારી, વલસાડ, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે.. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 92 ટકા વરસી ચૂક્યો છે વરસાદ.


મહુવા તાલુકાનો માલણ ડેમ ઓવરફ્લો


ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકામાં આવેલો માલણ ડેમ ઓવરફ્લો થયો છે. માલણ ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. હવે આ ડેમનાં દરવાજા ઓટોમેટિક હોવાથી દરવાજા ક્યારે ખુલશે તે નક્કી નથી, આ સ્થિતીમાં પ્રશાસને નિચાણવાળા 10 ગામોને એલર્ટ જાહેર કરી છે. જેમાં મોટા ખુટવડા, ગોરસ, કુંભણ, તાવેડા, ઉમણીયાવદર નાના જાદરા, મહુવા, કતપર, લખુપરા, સાગણીયા, સહિતનાં ગામોનો સમાવેશ થાય છે. હાલ માલણ ડેમ 100 ટકા ભરાઇ ગયો છે.. અને હજી પણ તેમાં પાણીની આવક ચાલુ જ છે.


અમરેલી ચેકડેમ જર્જરીત હાલતમાં


અમરેલીના બગસરાનું પીઠડીયા ગામમાં ચેકડેમમાં પડ્યું મસમોટું ગાબડુ. વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા ચેકડેમમાં ગાબડુ પડ્તા આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. સ્થાનિકોના મતે આ ચેકડેમ આશરે 20થી 25 વર્ષ જૂનો છે. પીઠડીયા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી આ ચેકડેમમાંથી આપવામાં આવે છે. આ ડેમમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેને રોકવા માટે તાત્કાલીક ધોરણે ડેમનું રિપેરીંગ કામ હાથ ધરાય તેવી સ્થાનિકોએ માગણી કરી છે.