રાજ્યમાં હજુ બે દિવસ વરસશે કમોસમી વરસાદ. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 4 ડિસેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર રહેવાની આગાહી છે. આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ઉભું થયેલું લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થયો છે.
આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથના ઉનાના નવાબંદરેથી 8 માછીમારો દરિયામાં બોટ તૂટી જવાના કારણે ગુમ થયા છે. જેમની હાલ સ્થાનિક વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડ તરફથી તપાસ કરવામાં આવી રહી છે.
રો રો ફેરી રદ્દ
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભાવનગરના ઘોઘા રો રો ફેરીનું સિગ્નલ પણ ક્ષતિગ્રસ્ત થઈને કોળિયાક નિષ્કલંક મહાદેવ દરિયામાં ઘસી આવ્યુ હતુ. ઘોઘા રો રો ફેરી સર્વિસ માટે દરિયામાં રાખવામાં આવેલ રસ્તાનું સિગ્નલ એંકરથી ટુટીને નિષ્કલંક મહાદેવ મંદિરની બાજુમાં ઘસી આવ્યુ હતુ. જો કે રોરો ફેરી સર્વિસના કર્મચારીઓએ સિગ્નલને પરત લઈ જવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ દરિયો એટલો તોફાની હોવાથી તેમના પ્રયાસો નિષ્ફળ ગયા હતા.
આ તરફ ઘોઘાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળતા હજીરાથી ઉપડનારી રો રો ફેરી સર્વિસ પણ શરૂ થઈ શકી નહોતી. ઘોઘા પર 300થી વધુ મુસાફરો જહાજમાં ગોઠવાઈ ગયા હતા. જો કે દરિયામાં ભારે કરંટ હોવાથી રો રો ફેરી સર્વિસ આગળ વધી શકી નહોતી.
પોલીસ ભરતીમાં હવે માવઠાનું વિઘ્ન
પહેલા ભરૂચ અને સુરત વાવ, અમરેલી, સુરેંદ્રનગર, ખેડા, નડિયાદમાં યોજાનારી શારીરિક કસોટી કમોસમી વરસાદને કારણે રદ કરાયા બાદ હવે ગોધરામાં પણ શારીરિક કસોટી રદ કરવામાં આવી છે. ગોધરાના SRP ગ્રુપ પાંચ ખાતે 3 ડિસેમ્બરના પોલીસ સબ ઈંસ્પેકટર અને લોકરક્ષકની શારીરિક કસોટી યોજાવાની હતી. પરંતું હવે આ કસોટી રદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ તરફથી નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.
આ તરફ PSI, LRDની શારીરિક પરીક્ષાને લઈને બીજો કોલ લેટર રદ કરાવા માટે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. વિદ્યાર્થીઓએ અનુભવ મેળવવા માટે PSI માટે અરજીઓ કરી હતી. જોકે બાદમાં લોકરક્ષકની ભરતી પડતા PSI અને લોકરક્ષક બંનેના કોલ લેટર ઈશ્યુ થયા છે. બંને ફોર્મ ભરનારા ઉમેદવારોમાં પ્રથમ કોલ લેટર પર જ શારીરિક કસોટી લેવામાં આવશે.