ગાંધીનગર: રાજ્યમાં મંગળવારે 139 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છના મુંદ્રા અને માંડવીમાં સાત ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરના જામજોધપુરમાં સાત ઈંચ અને દ્રારકા જિલ્લાના ભાણવડમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો.

દ્વારકાના જામખંભાળિયાની જીવાદોરી સમાન ઘી ડેમ ઓવરફ્લો થયો છે. સતત 48 કલાકથી વરસેલા વરસાદથી ડેમ છલકાતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


ભારે વરસાદના કારણે દ્વારકાના જામરાવલમાં પરિસ્થિતિ વિકટ બની છે. ઠેર ઠેર પાણી વચ્ચે 25 હજાર લોકોની જિંદગી જોખમમાં છે. ભારે વરસાદના કારણે રાવલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

છેલ્લા બે દિવસથી થઈ રહેલી મેઘમહેરથી રાજકોટનો આજી-2 ડેમ ઓવરફ્લો થયો છે. આજી 2 ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. વેણું-2 ડેમના 17 દરવાજા 12 ફુટ ખોલાયા છે.