ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એંટ્રી થઈ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગના સુબીરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો.તો ગીર સોમનાથના ગીર ગઢડામાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો. તાપીના કુકરમુંડામાં બે ઈંચ, વલસાડના કપરાડામાં દોઢ ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં દોઢ ઈંચ, વલસાડના ધરમપુરમાં એક ઈંચ, જૂનાગઢ શહેરમાં એક ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.


સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં શનિવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. મધ્યગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વડોદરાના વાઘોડિયામાં પણ વહેલી સવારથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વિજળીના કડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે.જો કે વરસાદની શરૂઆત થવાની સાથે જ વાઘોડિયાના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ ગઇ હતી. રસ્તા પર પણ પાણી ભરાયા હતા. વરસાદની શરૂઆત થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે


બીજી તરફ  દાહોદ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસી રહ્યો છે. ફતેપુરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં મધરાતથી જ વરસાદ શરૂ થયો છે. સુરતના વેસુ,પીપલોદ, ઉમરા,અઠવા, અડાજણ,પાલ, કતારગામ, વરાછા,પુણા,લીંબાયત, ઉધના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સુબિર તાલુકામાં 24 કલાકની અંદર 57 મી.મી. વરસાદ પડતા  પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી.  સાથે નાના કોતરોમાં  વરસાદના નવા નીર વહેતા જોવા મળ્યા હતા. આહવા તાલુકામા 16 મી.મી. વરસાદ જ્યારે, વઘઇ તાલુકામાં પણ છુટાછવાયા વિસ્તારોમા વરસાદે અમી છાંટણા કર્યા છે.ગિરિમથક સાપુતારામાં બીજા દિવસે પણ વરસાદ પડ્યો.  સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ને પગલે આહલાદક માહોલ સર્જાયો. નર્મદા જિલ્લાના કેવડીયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદ પડ્યો