ગાંધીનગરઃ રાજ્યમાં મેઘરાજાની સવારી આગામી 48 કલાકમાં ગુજરાતમાં આવી પહોંચે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે  અને હવે ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થવાની ઘડીઓ ગણાઈ રહી છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. આગામી સાત દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યના ચોમાસાએ મધ્ય અરેબિયન સમુદ્રના બાકીના ભાગ, મુંબઈ સહિત કોંકણના મોટાભાગના વિસ્તાર, મધ્ય મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના કેટલાક ભાગોમાં પ્રવેશ કરી લીધો છે.. હવે આગામી 48 કલાકમાં નૈઋત્યનું ચોમાસુ ઉત્તર અરેબિયન સમુદ્રના કેટલાક ભાગ તેમજ ગુજરાતમાં પ્રવેશે તે માટેની સાનુકુળ સ્થિતિ સર્જાય છે. આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના ત્રીજા સપ્તાહ બાદ ચોમાસાનું આગમન થતુ હોય છે. જેની સરખામણીએ આ વખતે ચોમાસાનું વહેલુ આગમન થાય તેવી પૂરી શક્યતા છે. રાજ્યભરમાં હાલ પ્રી મોનસુન એક્ટિવિટીનો પ્રારંભ પણ થઈ ગયો છે. અને આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં 30થી40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા ઉપરાંત વરસાદની સંભાવના છે.


હવામાન વિભાગના અનુસાર આજે અને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર,રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ,સુરેંદ્રનગર,ખેડા, આણંદ,પંચમહાલ, દાહોદ,મહીસાગર, દમણ અને દીવમાં વરસાદ વરસશે.


રાજ્યના હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.  હવામાન વિભાગે આગાહી કરી કે 10થી 14 જૂન દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  આ દરમિયાન મધદરિયે હવાની ગતિ 50 કિમી સુધી રહેવાનું અનુમાન છે.જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વલસાડના કોસંબાના 600 અને દમણના 300 જેટલા માછીમારોએ પણ હોડી દરિયા કિનારે લંગારી દીધી છે.