ગાંધીનગર: રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. રાજ્યના 40 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ રાજકોટ જિલ્લાના ગોંડલમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. ગોંડલ શહેરમાં અને તાલુકાના અનેક ગામોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા હતા. વરસાદના કારણે કપાસ અને મગફળી સહિતના પાકને જીવતદાન મળ્યું છે.


રાજકોટના ગોંડલમાં ભારે વરસાદને કારણે વોરા કોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસના વિસ્તારમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અનેક લોકો ગામમાં ફસાતા મામલતદાર સહિતના અધિકારીને જાણ કરાઈ છે.

રાજ્યના 40 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માણાવદરમાં એક ઈંચ, ડાંગના આહવા અને તાપીના સોનગઢમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના માંગરોળમાં પોણો ઈંચ તો સુરતના ચોર્યાસીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

તાપીના સોનગઢમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સોનગઢ નગરના ઓટા ચારરસ્તા પાસે વીજળી પડતા યુવકનું મોત થયું છે. શેખઅલી સૈયદ નામના યુવકનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું. વરસાદની આગાહી વચ્ચે સોનગઢ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.