રાજ્યમાં આજે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગુરુવારે સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે તેના કારણે વાવેતરને જીવતદાન મળવાની સાથે નદી અને ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. મોડાસાના ઈસરો, દધાલિયા, વરથુમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારમાં અડધા ઈંચથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. આજે અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વરસાદ પડ્યો હતો. ધારી ગીરના ઝર, મોરઝર, ખીચા, આંબરડી સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.
વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસનગર અને કાસા, કંસારા, સવાલા,સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.