ગાંધીનગર : રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા દરમિયાન 47 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં પડ્યો હતો. કોડીનારમાં 1.88 ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલીમાં 1.69 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.


સુરતના મહુવામાં 1.22 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 1.14 ઈંચ, સુરતના માંગરોળમાં 1.1 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના ઉનામાં 1.02 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 0.98 ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં 0.86 ઈંચમાં વરસાદ વરસ્યો છે.

અમરેલી-ધારી ગીરમાં વરસાદનું ધમાકેદાર આગમન થયુ છે. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી પાણી થયા હતા. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અમરેલીના લાઠી તાલુકાના છેવાડાના ગામોમાં ઘોઘમાર વરસાદ પડ્યો છે. અમેરલી પંથકના મુળીયાપાટ, ઠાસા, સુવાગઢ સહિતના ગામો ઘનઘોર વાદળો ઘેરાતા ઘોઘમાર વરસાદનું આગમન થયું છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે.