અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સતત ત્રીજા દિવસે અમરેલી શહેરમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા તો અનેક વિસ્તારમાં રોડ-રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા.
રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી છવાયેલો રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગના મતે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દીવ-દમણ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 33 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 61 ટકા, કચ્છ ઝોનમાં 79 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 20.72 ટકા, મધ્ય ગુજરાત ઝોનમાં 20.24 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 18.84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ચોમાસાની સિઝનમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હજી વરસાદની ખાધ છે. હવામાન વિભાગના મતે અઠવાડિયામાં આ બંન્ને ઝોનમાં વરસાદની ઘટ દૂર થાય તેવી સંભાવના છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં વરસ્યો છે.