બોટાદ: બોટાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બરવાળા તેમજ બોટાદ તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરી વચ્ચે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદ પડ્યો છે. બોટાદ શહેરના પાળીયાદ રોડ, સ્ટેશન રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ તમામ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.
બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર કમોસમી વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. પ્રથમ વરસાદ બાદ કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. કરા સાથે ધોધમાર વરસાદ પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. બોટાદ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના શહેરી વિસ્તાર તેમજ આસપાસમાં પણ વાતાવરણના પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે.
આગામી 3 કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી , પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ , ભરુચ , ડાંગ, તાપી , નવસારી, વલસાડ , દમણ , દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી ,ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
ભાવનગર જિલ્લામાં વરસાદ
કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સિહોર તાલુકાના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સણોસરા, ઈશ્વરીયા, આબલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદથી પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા હતા.