રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે. હવામાનના મતે રાજ્યમાં છૂટ્ટો છવાયો વરસાદ રહેશે. હાલ ક્યાય પણ ભારે વરસાદની આગાહી નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં 242 મિમી વરસાદ વરસી ચૂક્યો છે.


જ્યારે વાસ્તવમાં 27 જુલાઈ સુધીમાં રાજ્યમાં 336 મીમિ વરસાદ વરસવો જોઈતો હતો એટલે કે હજુ પણ 28 ટકા રાજ્યમાં વરસાદની ઘટ છે. વધુમાં કહ્યું કે બંગાળની ખાડીમાં એક લો- પ્રેશર બની રહ્યું છે. જેની વધુ અસર ગુજરાતમાં નહીં જોવા મળે.


રાજ્યમાં કેટલો વરસાદ


અત્યાર સુધીમાં 10.77 ઈંચ સાથે સિઝનનો અત્યાર સુધીમાં 32.58 ટકા વરસાદ વરસી ચુક્યો છે. 17 જુલાઈ સુધીમાં રાજ્યમાં 6.95 ઈંચ સાથે મોસમનો સરેરાશ 21.04 ટકા વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં 11.54 ટકા વરસાદ છેલ્લા 10 જ દિવસમાં નોંધાયો છે. જેમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 20.23 ઈંચ જ્યારે કચ્છમાં માત્ર 5.27 ઈંચ વરસાદ વરસ્યો છે.


રાજ્યમાં ગયા વર્ષે 26 જુલાઈ સુધીમાં 13 ઈંચ સાથે સિઝનો સરેરાશ 36.66 ટકા વરસાદ નોંધાયો હતો. આમ ગયા વર્ષની તુલનાએ આ વર્ષે હજુ સુધી વરસાદનું પ્રમાણ સામાન્ય રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી દક્ષિમ ગુજરાતમાં 20.23 ઈંચ સાથે મોસમનો સૌથી વધુ 35.19 ટકા, કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે મોસમનો 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ નોંધાયો છે.


રાજ્યના ત્રણ જિલ્લા એવા છે જ્યાં 25 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડમાં 33.70 ઈંચ, નવસારીમાં 25 ઈંચ, ડાંગમાં 40 ઈંચ વરસાદ વરસ્યો છે. તો કપરાડા તાલુકામાં સૌથી વધુ 43.77 ઈંચ, ઉમરગામ તાલુકામાં 36.81 ઈંચ, ખેરગામમાં 34.76 ઈંચ અને વાપીમાં 34.13 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.


આ સિવાય 25 તાલુકામાં 20થી 40 ઈંચ, 88 તાલુકામાં 10થી 20 ઈંચ, 96 તાલુકામાં પાંચથી દસ ઈંચ અને 39 તાલુકામાં બેથી પાંચ ઈંચ વરસાદ વરસ્યો. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 7.36 ઈંચ સાથે સિઝનનો 28.08 ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 10.27 ઈંચ સાથે સિઝનનો 37.27 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો હતો.