અમદાવાદ: રાજ્યમાં આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.  અમરેલી,  ભાવનગર,  બોટાદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. 

રાજ્યમાં મહત્તમ તાપમાન 39-40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.  માછીમારોને આગામી 6 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  અરબી સમુદ્રમાંથી ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું પોહચે તેવી શક્યતા છે. 

આ વર્ષે ચોમાસું વહેલું છે

સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત જૂનના પ્રથમ અઠવાડિયામાં થાય છે. ચોમાસું સૌથી પહેલા કેરળમાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે દેશના અલગ અલગ  ભાગોમાં આગળ વધે છે. પરંતુ આ વર્ષે ચોમાસની એન્ટ્રી 24 મેના રોજ થઈ ગઈ હતી. તેનું મુખ્ય કારણ છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ભેજ વધવો.  વિજ્ઞાનીઓ કહે છે કે, સમુદ્રનું તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું પરિણામે ચોમાસાને હવાને વધુ ઝડપથી સક્રિય થવામાં મદદ મળી. પશ્ચિમી પવનના વેગ અને ચક્રવાતીય ગતિવિધિઓએ મોન્સૂનને આગળ વધારવા માટે દબાણ ઊભું કર્યું.  

 

આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે 10 જિલ્લામાં વરસાદ ખાબકશે.  આજે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ,વલસાડ, નવસારી,દમણ અને દાદરાનગર ,દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં  વરસાદની આગાહી  છે. આ વિસ્તારમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આજે ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ગુજરાતના  10 જિલ્લામાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન

મુંબઇ સુધી ચોમાસુ પહોંચી ગયું છે. પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઇ. હવામાન વિભાગે પણ રાજયમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પરંતુ  ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે. 

હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં હાલ એવી કોઇ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમાન થાય. ઉલ્લેખનિય છે કે, પૂર્વાતર રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાઇ જતાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું વહેલું આગમન થઇ ગયું છે.